વાંચનનો રસથાળ

હરિ મને આપો એકાદી એંધાણી !

મહાભારતમાં યુધિષ્ઠિરને યક્ષ પ્રશ્ન પૂછે છે કે, “આ જગતમાં આશ્ચર્ય શું છે?” યુધિષ્ઠિર જવાબ આપે છે કે, “આ સંસારમાં રોજરોજ પ્રાણીઓ યમલોકમાં જાય છે, છતાં બાકીના મનુષ્યો પોતાને અવિનાશી માને છે એથી બીજું આશ્ચર્ય શું હોઈ શકે?”

આપણા આયોજનોમાં અણધાર્યા આવતા આ મૃત્યુદેવતાને આપણે બાકાત રાખીએ છીએ. કદાચ વિચાર કરતાં પણ ડરીએ છીએ. કહેવાય છે કે સ્વર્ગ પહોંચતાં પહેલા વૈતરણી પાર કરવી પડે. એવી તો કેટલીય કસોટીઓ જીવતેજીવ પાર કરવી પડતી હોય છે. એટલે જ મરવું સહેલું લાગતું હશે, જીવનમાંથી શ્રદ્ધાનો લોપ થતો હશે અને કાળદેવતાના ખપ્પરમાં વણનોતર્યા હોમાવાનું મન થતું હશે. મર્યા પછી શું થવાનું છે એ કોઈને ય નથી ખબર. ત્યાં ગયા પછી કહેવા કોઈ પાછા આવતા નથી. એટલે જ અણજાણ્યાં એ પંથ પર સુખની ચાવી શોધવા લોકો સમય કરતા વહેલાં મરવાનું પસંદ કરતા હશે. આમ તો એવું કહેવાય છે કે, મોતનું મુહૂર્ત પહેલેથી જ મંડાઈ ગયું હોય છે. પણ આત્મહત્યા કરનારાઓનું મૃત્યુ એ જ સમયે નહિ લખાયું હોય એ કેમ ખબર પડે? સવાલ થોડો વિચિત્ર છે, કારણ કે આ વિષય પર આપણે બહુ વાત નથી કરતા.

અમેઝોન પ્રાઈમ પર મૃત્યુના વિષય પર “અફસોસ” નામની થોડી સ્લો પણ જોવા જેવી એક વેબસિરીઝ છે. (સ્પોઈલર અલર્ટ) નકુલ નામનો એક છોકરો, જીવનથી હારેલો, હતાશાના હુતાશનમાં બળતો, ન કોઈ એઈમ કે ન કોઈ ઈચ્છા. બસ જીવવું નથી. તરેહ તરેહના તરીકાઓ અપનાવીને મરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ બધા નાકામ નીવડે છે. હર વખત કોઈને કોઈ રીતે બચી જાય છે. સાયકોલોજીસ્ટ સમજાવે છે, મરવું હોય એ ટ્રેનના પાટા પર તકીયાનો સહારો ન ખોળે, સમંદરમાં ડુબવા માટે ધુબકો લગાવ્યા પછી બચાવવાની બુમ ન પાડે. જિજીવિષા હોવી એ દરેકની બેઝીક ઈન્સ્ટીંક્ટ છે. ગર્લફ્ર્રેન્ડ છોડીને ચાલી જાય, ભાઈના અબોલા હોય, બેસહારા માબાપ અને બેકારી એ મરવા માટે પૂરતાં કારણો નથી જ. આજની ઘોર અંધારી રાત કાલનો સોનેરી સૂરજ બની ઉગશે. તું હિંમત રાખ.

પણ જેને યમસદનના આંગણે પહોંચવાનો એકમાત્ર ગોલ હોય એને રસ્તાઓની ક્યાં તાણ હોય છે! મરવું હોય એને તો મારવાવાળા પણ મળી રહે. એક એવું વેન્ચર જે મરનારાઓની મદદ કરે. જે સહેલાઈથી મરી શકતા ન હોય એને મનપસંદ મોત આપે. એક વાર કોન્ટ્રાક્ટ થઈ ગયો પછી એમાં કોઈ મીનમેખ થાય નહિ. નક્કી થઈ ગયા પછી ફરજિયાત મરવાનું. પસંદગીનું મૃત્યુ આમ તો ભાગ્યશાળીને જ મળે, પરંતુ અહીંયાં તો ગમતા મોતનો ય પરવાનો નીકળે.

અફસોસ, આ કોશીશ પણ નાકામયાબ નીવડી. આટલી બધી વાર મરવાના પ્રયત્ન કર્યા પછીય કોણ જીવતા રહી શકે! એ જ જે અમર હોય. ધ ઈમમોર્ટલ મેન. બસ આ જ માણસની ખોજ હતી ફોગટીયા બાબાને. એક અમર આદમીને અમૃત સોંપીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થવાનું છેલ્લું કર્તવ્ય કરવાનું બાકી હતું. ન જાણે કેટલાય દસકાઓથી આ સંજીવનીનું જીવની જેમ જતન કરતા હતા એ આશ્રમવાસીઓ. હવે એનો દેવદૂત મળી ગયો છે. આ અમૃતની પાછળ વિદેશની કોર્પોરેટ કંપની પડી છે. ગલત હાથોથી બચાવવાનો એકમાત્ર મનાસુબો હતો એ ફોગટીયા બાબાનો.

મક્સદ વગર મરવાનો વિચાર કરતો માણસ નવી આશા ખીલતા ગમતા સપનાઓ જોવામાં વ્યસ્ત થાય એ પહેંલા કિલીંગ કોન્ટ્રાક્ટ કેન્સલ કરવવાનું યાદ આવે. પણ ઉપાધ્યાય એટલે ઉપાધ્યાય. એક વાર મારવાનું નક્કી થયા પછી કોઈ બચાવી ન શકે. એમના હિટલીસ્ટમાં નામ નોંધાવવું એટલે સમજો જીવનની બધી લાઈફલાઈન પુરી થઈ ગઈ. પણ અહીંયાં મૃત્યુ જીવનને હાથતાળી દઈને વારંવાર છટકી જાય છે અને જે નકુલને મરવું હતુ એ બચી જાય છે.

આખી કહાની મૃત્યુ અને અમૃતની આસપાસ ઘુમે છે. આખરમાં એ અમર ઈન્સાનની ખોજ પુરી થાય છે અને મળે છે એ માણસ જેને ફરજિયાત જીવવાનો અભિશાપ મળ્યો હોય છે. એની સાથેના બધા લોકો મૃત્યુ પામ્યા હોય છે. જગતના બધા રોગો એને થઈ ચુક્યા હોય છે. એ મરવા ચાહે તોય મરી નથી શકાતું. જગતના બધા સ્થળોએ એ એટલી વાર જઈ આવ્યો છે કે હવે જીવનમાં નવું જોવાનું કે કરવાનું કઈ બચ્યું જ નથી. લાઈફમાં કોઈ એક્સાઈટમેન્ટ કે થ્રીલ નથી. નવું કઈ જ બનતુ નથી. ન કોઈ મક્સદ કે ન કોઈ ઈચ્છા. બેસુમાર કંટાળો. જાણે શ્રાપની જિંદગી ! બસ જીવ્યે જવાનું એવા મૃત્યુના ઈન્તજારમાં જે ક્યારેય નથી આવવાનું. કેવું દૂર્ભાગ્યપૂર્ણ જીવન !

મૃત્યુના લીધે જ જીવનની કિંમત છે. ટૂંકી મુદતની જિંદગીમાં સુવાસ ફેલાવવાની ચેલેન્જ છે, કઈક કરી બતાવવાની, જાતને સાબિત કરવાની તાલાવેલી છે, એટલે જીવવાનો આનંદ લઈ શકાય. પણ જેને કોઈ મક્સદ ન હોય, જીવનમાં કઈ કરવાની તમન્ના ન હોય એવો નિરાશાના અંધારાથી ઘેરાયેલો માણસ આખરે મરણનું શરણ લે. પણ સવાલ એ છે કે મર્યા પછી શું? સમસ્યાનું સમાધાન સુસાઈડ એક જ લાગે, પરંતુ મૃત્યુ પછીની દુનિયા જીરવવી સહેલી જ હશે એ કેમ ધારી લેવાનું ?

મર્યા પછી શું થાય એની આધારભૂત માહિતી કોણ આપી શકે? એ ઉત્તર “મૃત્યુ પછીની દુનિયા” નામના પુસ્તકમાંથી મળે છે. આખું પુસ્તક પુણ્યાત્મા સાથેના સંવાદનું છે. જેમાં મર્યા પછી મનુષ્યની ગતિ વિશેનું વર્ણન છે. મળમૂત્રથી બનેલા દેહમાં કેદ થયેલો આત્મા એમાંથી છુટકારો મળતા મુક્તિ અનુભવે. કેટલાય જન્મોના રીશ્તેદારો સ્વાગત કરવા ઉભા હોય. પૂર્વજન્મના કર્મો રેકોર્ડેડ હોય એ પ્રમાણે એ લેવલ પર સ્થાન મળે. નાનું એવું પણ સારું કામ કર્યું હોય તોય એ સૂકુન આપે અને ખરાબ કર્મો પીડા આપે. કર્મો પ્રમાણે થોડો સમય એ અવકાશમાં રહીને પુન: અવતરવાનો નિર્ણય પણ આત્મા પોતે જ કરે અને સંકલ્પ કરે કે આ જનમ-મરણની ઘટમાળમાંથી મુક્તિ મેળવવી. પણ કોણ જાણે પૃથ્વી પર કોરી પાટી લઈને આવ્યા પછી એકડો ઘુટવાની જગ્યાએ આડાઅવળા લીટા પાડી દઈએ છીએ ! જે લોકો વ્યસની હોય એ મર્યા પછી ય વ્યસનની તલબમાં ભટક્યા કરે છે. જેમણે આત્મહત્યા કરી હોય એની સ્થિતિ એનાથી ય વધુ બદતર હોય છે. ખુબ લાંબા સમય સુધી ભટકતા રહેવું પડે છે. કોઈ દયાળું પુણ્યાત્માની કૃપા વગર આવા આત્મઘાતી લોકોનો છુટકારો ખૂબ મુશ્કેલ હોય છે. ઈશ્વરના આયોજનનો અકારણ ઈન્કાર એ એમના પ્રત્યેની આસ્થામાં ઓટ દર્શાવે છે. પણ ભલુ કરવામાં ઈશ્વર બેરહમ છે. કલ્યાણ અર્થે નિર્દય થઈને દુ:ખો આપી શકે છે. એ કોઈ સજા નથી પણ સામર્થ્યવાન બનાવવા માટેનું પૂર્વ આયોજન છે. આત્મહત્યા એટલે જીવવાની, વિકસીને વિરાટ બનવાની, પ્રેમની સુવાસ પ્રસરાવવાની, બીજાનો સહારો બનવાની અને આવી તો કેટલીય સંભાવનાઓની એકસામટી કસુવાવડ.

ન વધુ જીવવામાં જશ છે કે ન વહેંલા મરવામાં માલ છે. પરંતુ મૃત્યુ એક ને એક દિવસે તો આવવાનું જ છે. જો મરવાની તારીખ પહેલેથી આપી દેવામાં આવે તો જીવન મજાને બદલે સજા બની જાય. મોતની અનિશ્ચિતતામાં જ આજનો આનંદ લઈ શકાય. હા, મૃત્યુનું ચિંતન જરૂર થઈ શકે. મનગમતા મોતની કલ્પના ય કરી શકાય. કાકા કાલેલકરે તો કહેલું કે, “મૃત્યુનું ચિંતન મારા લાંબા આયુષ્યનું રહસ્ય છે.” પણ જાતઉપાયો યોજીને સમય કરતાં વહેંલુ મરવું એ તો નર્યું ગાંડપણ છે, કેટલી બધી સંભાવવાનાનો અકાળે આયોજેલો અંત છે. સુખ ખાલી ભોગવવામાં જ નથી. ભોગવેલું સુખ તો ક્ષણભંગુર છે. સુખ વહેંચવામાં છે. છુટા હાથે વેરેલું સુખ સંતોષ આપે છે, જીવવાનું બળ આપે છે, મીઠો ઓડકાર આપે છે.

પણ આ મરવાનો વિચાર કેમ આવે છે? શું જીવનમાંથી શ્રદ્ધા લોપ થતી હશે? નિરાશા એટલે હદ સુધી નડતી હશે? એકલતાની આંધીમાં એટલા બધા અટવાઈ જતા હશે કે કોઈ સગુ વહાલું નહિ થઈ શકતુ હોય? મૃત્યુ પર એટલો બધો વિશ્વાસ બેસી જતો હશે? ઈચ્છા કે સપનાઓની કોઈ ચિંગારી નહિ બચી હોય જે જીવવાની આગ સળગાવી શકે? ઈશ્વરની કોઈ એંધાણી નહિ મળતી હોય જેના સહારે માણસ જીવતો રહે?

આ સવાલોના ઉકેલ શોધવાના છે. જે સવાલ કરે છે એને હરિ એંધાણી તો આપે જ છે. શ્રદ્ધા હાલકડોલક થતી હોય ત્યારે સહારો તો મોકલાવે જ છે. એના હોવાપણાનો અણસાર તો આપે જ છે. હા કદાચ આપણે સમજી ન શકીએ.

આવો “અણસાર” કોને મળે એની વાત જાણીતા લેખક (નોટ લેખિકા) વર્ષા અડાલજા એની નવલકથામાં કરે છે. આ સંસારમાં પાર વગરની પીડા ભોગવતા લોકો છે. કોઈ રોગથી ગ્રસ્ત છે તો કોઈને એકલતાની ઉકળતી અકળામણ પીડે છે. ક્યાંક તો બંનેના મિશ્રણની મહામારી છે. તેમ છતાં શ્રદ્ધાના બળે, ઈશ્વરના અણસારના ભરોસે કે જિજીવિષાના જોરે જીવન ટકી જતુ હોય છે. પરંતુ કોઈ અપવાદ પણ હોય છે. શ્રદ્ધા ડગમગી જાય, ભરોસો ઉઠી જાય કે જીવવું જીરવી શકાતું ન હોય ત્યારે જીવનનું ગળું ઘોટવાનું મન થતું હોય છે. પણ આવા વિચારો આવે ત્યારે આપણી આસપાસના વધુ દુ:ખી લોકોની જિંદગી અને જીવવાની ખુમારીને ધ્યાને લેવાની જરૂર છે.

‘અણસાર’ની નાયિકા આદર્શ ગૃહિણી, વહાલી પત્ની અને પ્રેમાળ મા હતી. ભર્યાભાદર્યા સંસારમાં બધી વાતે સુખ હતું. એ ક્ષણજીવી સુકૂન તૂફાન પહેલાની શાંતિ હશે એ રૂપાને નહોંતી ખબર. ખાલી એક રોગ ગૃહલક્ષ્મીનો સૌથી અગત્યનો હોદ્દો આચકીને એને રસ્તે રખડતા અનાથ બનાવી દે, સગલા બધા અચાનક વહાલા મટી જાય, પરિવારના માળામાં પરોવાયેલો મણકો તૂટીને એકલતાના રણમાં ઝૂરાપાની તરસથી પીડાવા ખરી પડે. અધુરા સંગાથની વેદના જીવનભર પીડે. એ રોગ રક્તપિત્તનો અને પીડા ઘૃણાની. સ્વજનો સુજન મટી જાય, વ્હાલા વેરી થાય. મા દિકરાને, પતિ પત્નીને અને પુત્ર માતાને અસ્પતાલના અનાથાશ્રમમાં મરવા માટે ફંગોળી જાય. ક્યારેક તો મોતનો મલાજો ય ન જાળવે. જાણે સંબંધના સંપર્કો કાયમી કવરેજક્ષેત્રની બહાર થઈ ગયા હોય !

હોસ્પિટલમાં વ્યાધિની ઉપાઘિ, નિરાધારતાની નિરાશા, ઉપેક્ષાના ઉદ્વેગનું મિશ્રણ જામ્યું હોય છે. અને પછી રોજ સમીસાંજે શણગાર સજીને તૈયાર થાય અને એ રાહીની રાહ જુએ જે ક્યારેય નથી આવવાના. એ અનંત ઈન્તજારના સહારે જ હવે જીવન ખુટવાડવાનું છે. આ અવગણનાનો અભિશાપ આજીવન જીરવવાનો છે. એ ઉપેક્ષિત જીવન ટુકડે ટુકડે જીવવાનું છે. ભયંકર એ રોગ નથી, ભયંકર એ પીડા છે જેમાં બેસહારા હોવાની લાચારી છે. આ દુનિયામાં કોઈ પોતાનું નથી એની વેદના દુ:ખદાયી છે. આ બધામાંથી છુટકારો મેળવવા આત્મહત્યા કરવાનો સસ્તો રસ્તો મુક્તિનો માર્ગ લાગી શકે. પણ અંતરમાં ઉંડેઉંડે ય હજી આશા છે કે એકલતાના રણમાં ક્યાંક તો ઝાંઝવાના જળની જગ્યાએ મિલનના મોતી મળશે.

ઈન્તજારની ઘુટનમાંથી ભાગી છુટે છે રૂપા અને જિંદગીનો એકડો ફરી શરૂ કરવાના અરમાન સાથે જેને પોતાનું ઘર માનતી હતી ત્યાં જાય છે. પણ હવે ત્યાં કોઈ ઘર નહોંતુ, હતી ખાલીખમ ઈમારત. પોતાના નામના મરણસંસ્કાર થઈ ગયા હોય છે, જીવતેજીવ મરેલી ઘોષિત કરી હોય છે. દોગલા સમાજમાં રક્તપિત્ત કેવો શરમજનક હાદસો ગણાતો હશે કે રોગી સાથેનો સંબંધ પણ જાહેર ન કરી શકાય ! જે પુત્રના વિરહમાં એ જીવતી હતી એણે તો માને મરેલી માની લીધી હશે. પરિવારે એને તરછોડીને કાટાના વનમાં લોહીલુહાણ હાલતમાં ફેકી દીધી હતી. હવે કોઈનો ઈન્તજાર નહોંતો. અફાટ રણ હતુ અને દરિયો હતો જેમાં ડુબી કહાની પૂરી કરી શકાય. પણ મરવાની જગ્યાએ જીવવાનું નક્કી કર્યું. એ પહોંચી રક્તપિત્તની વસ્તીમાં જ્યાં આ મજબુરીને બજારમાં વેંચી શકાય, સહાનુભૂતિ ઉઘરાવીને દયાનું પાત્ર બની શકાય અને દાતાની રહેમ પર જીવી શકાય ભીખારી બનીને.

આ વસ્તીમાં એવા લોકો પણ આવતા હતા જે વિના સ્વાર્થે દવા કરતા. માંગીને પેટ ભરવાનો એકમાત્ર રોજગાર છીનવી લેવાની વાત કરતા. સગાઓ પોતાના થયા નહોંતા અને આ પરાયા વહાલા થવા આવતા હતા. શું સ્વાર્થ હશે એમનો કે આવી શાપિત વસ્તીમાં પરદુ:ખે ઉપકાર કરતા હશે ! આ બધાની પીડા જોઈને પોતાના દુ:ખનો બોજો હળવો થયો. નિરાધારનો આધાર બની ત્યારે સમજાયું કે દુ:ખોની મુક્તિ પીડાની પીપૂડી વગાડવામાં નહિ પણ બીજાની સપોર્ટસિસ્ટમ બનવામાં છે. એકલતાથી પીડાતો માણસ શું માંગે છે ? બસ એક ખભો જ્યાં મન મુકીને રડી શકે. એક સહારો જેની ટેકણ લાકડીએ ઉભો રહી શકે. જેણે મરવું જ હોય એને જંગમાં શહિદ થઈને મરવું સારું. કોઈની હુંફ બનીને જાતને ઠંડીમાં ઠરવા દેવી બહેતર છે. કોઈનો છાયો બનીને જાતને બાળવી સાર્થક છે. આમેય મરવું જ હોય એણે જિંદગી બેસહારાને કાજે હોમી દેવી જ સારી. કઈક તો ખપમાં આવે.

જેને સવાલ થાય છે એને જવાબ પણ જડશે. જે શોધે એને જડે. ભરોસો રાખે એની નાવ શ્રદ્ધાના તરાપાએ તરી જશે. સવાલ સાર્થકતાનો છે. નિરર્થક મરવા કરતા સાર્થક જીવન શું ખોટું ?

આ નવલકથા પહેલા આ જ વિષય પર લખાયેલી ટૂંકી વાર્તા ‘હરિ મને આપો એકાદી એંધાણી’માં નાયિકા પૂછે છે:
“શા માટે પૃથ્વી પર આ વેદના અને એકલતા ? આ દર્દો અને પીડા ? શા માટે ઈશ્વરનો આવો ભયંકર શાપ ?”
ઉત્તર મળે છે:
“આ બધી હરિ હોવાની એંધાણી છે બહેન ! આ વલોવાતી વેદના જોઈ લોકોનો આત્મરામ જાગે છે, અને પડી ગયેલાંને ટેકો કરવા આગળ આવે છે. જન્મજન્માંતર ચાલે એવો આ યજ્ઞ છે. પ્રજાનું ચૈતન્ય ધબકતું રહે એ માટે તો છે આ દુ:ખ-દર્દોની સરજત ! ઈશ્વરે સમગ્ર માનવજાતનાં કલ્યાણ માટે થોડા લોકોની આહુતિ આપી છે. તું જાણે છે? આ પૃથ્વી પરનો એક એક વેદનાગ્રસ્ત માનવી હરિ હોવાની એંધાણી છે.”

બર્નીંગ થોટ્સ:

એવું જ માગું મોત
હરિ, હું તો એવું જ માગું મોત
આ થયું હોત ને તે થયું હોત ને
જો પેલું થયું હોત
અંત સમે એવા ઓરતડાની
હોય ન ગોતાગોત
હરિ, હું તો એવું જ માગું મોત !
(કરસનદાસ માણેક)

વિનીંગ શોટ:

જ્ઞાનકી સતત ઉપાસના કરના, હર તરહ કા કૌશલ્ય હાસિલ કરના, સબ કો સમઝને કી ઔર સમઝાને કી કોશિશ કરતે રહેના, ઔર સબ કી ઉન્નતિ મેં અપની ઉન્નતિ પાના – યહી હૈ પૂર્ણ જીવન-દર્શન (કાકા કાલેલકર)

Leave a comment