વાંચનનો રસથાળ

બસ એક થપ્પડ હી થા, પર નહિ માર સકતા કોઈ

સપનાના આખા મહેલને સળગાવીને ગમતીલાના શમણાને શણગારવા સહેલા નથી હોતા. સાહ્યબીની અમીરાત છોડી મહેલોની ચાકરી કરવી આસાન નથી. સુરક્ષિત જીવનની ચાર દિવારોને તોડીને વનવગડાના ભેંકાર રસ્તાઓ પર રાત ગુજારો કરવો મુશ્કેલ હોય છે. આ બધી પહેંલેથી જાણ હોય છતાં બંધનની બેડીઓ સાથે સંબંધ જોડે છે, સહજીવનનું સાહસ ખેડે છે, શાંત જીવનમાં તોફાનને નિમંત્રે છે અને શરૂઆતી રોમાંચનો તબક્કો વટાવ્યા પછી શરૂ થતી રૂટિન જીંદગીનો ખૌફ વહોરે છે.

જુના સપનાઓ પર રાખ વળી ગઈ હોય અને નવા સપનાઓ ઉછીના લઈને જીવતા હોય, કેરીયરની કડાકૂટ મુકીને સંસારરથના ચક્રો સરખા ગતિમાન રહે એની પળોજણમાં પડ્યા હોય, જાત પરત્વે બેપરવા બનીને બીજાના સુખને સજાવવા હાંફી ગયા હોય, એવા એક સમયે ખબર પડે કે આ બધી ગધ્ધામજૂરીને અંતે જે માન-સન્માન મળવું જોઈતું હતું એ તો બાજુ પર રહ્યું ને પુરસ્કારમાં ઠેબા મળે. જાણે અવગણનાનો અભિશાપ વેઠીને પરિવારની પરવા કરવાનો ઠેકો એકલાનો હોય એવી અપેક્ષાના બોજા તળે જીવન દટાઈ જતુ લાગે. અને પછી આક્રોશનો અગન ઉપડે અને આસપાસના બધાને દઝાડે.

આવું તે કાંઈ બનતું હશે એવો ખ્યાલ આવે તો આસપાડોશમાં નજર દોડાવજો, જવાબ મળી જશે. બસ આ જ કહાની છે ‘થપ્પડ’ની. અનુભવ સિંહાએ પહેલા ‘મુલ્ક’માં મઝહબી પ્રશ્નો ઉઠાવ્યા, ‘આર્ટિકલ-૧૫’થી અસ્પૃશ્યતાના સામે સવાલો ખડા કર્યા અને હવે સમાજના ગાલ જોરથી તમાચો માર્યો. જાણે ગાલ પર સોળ ઉઠ્યા હોય એવી બળતરા થાય!

કહાની તો ટ્રેઈલરમાં જ બતાવી દેવાઈ છે કે ખાલી એક થપ્પડ પર ફિલ્મ છે, પણ “નહિ માર સકતા કોઈ” એ એની સ્ટ્રેન્થ છે. કોઈ વ્યક્તિ જીવનમાં શું અપેક્ષા રાખે? હેપીનેસ અને રીસ્પેક્ટ. પૈસા જરૂરી છે પણ ખાલી એનાથી જ જિંદગીની વૈતરણી પાર નથી કરી શકાતી. ઘર સંભાળવાનો અને સજાવવાનો પગાર નથી હોતો. રોજના નિષ્ઠાપૂર્વકના એ કામને દામના ત્રાજવે નથી તોળી શકાતું. ક્યારેક એ ચોઈસ હોય અને ક્યારેક બીજા માટે સમજણથી કે પરાણે કરેલો ત્યાગ હોય, પણ એ સેવા મફત નથી થતી. એમાં જાત ઘસી નાખવી પડતી હોય છે, આખેઆખો માણસ કટાઈ જતો હોય છે અને ક્યારેક તો ટુકડેટુકડે કપાતો પણ જતો હોય છે. સવાલ તો ત્યારે ખડો થાય કે જશને માથે જુતિયા મળે, મૂલ્યોના નામે માનાહાનિ થાય, ઈજ્જતની જગ્યાએ અવગણના મળે. જાહેરમાં વગર વાંકે ડામ મળ્યા પછીય પોતાનો વાંક સ્વીકાર્યા વગર, સોરી કહ્યા વગર માફ કરવાની અપેક્ષા રાખવામાં આવે.

અસ્ત્રીના અવતારે તો સહન જ કરવાનું હોય. પુરાણોના ઉદાહરણથી સમજાવવામાં આવે કે પતિના પગલેપગલે ચાલવું એ આપણી સંસ્કૃતિ છે. ગુલામી કરવી એ સ્ત્રીની ફરજ છે અને એને ભોગવવી એ પુરુષનો હક છે. સ્ત્રીસશક્તિકરણની આટલી બધી ઝુંબેશો પછીય નહિ દેખાતી ગેરસમજ દૂર થતી નથી. “થપ્પડ” આપણને બહારથી હલબલાવે છે અને અંદરથી હચમચાવે છે. એક થપ્પડ હી થા પર નહિ માર સકતા, કોઈ નહિ માર સકતા. બસ આટલી જ વાત ફિલ્મ કહેવા માંગે છે. પણ કેટલી મોટી વાત!

એ થપ્પડ સમાજના દોગલાપન પર હતી, એ પ્રચ્છન્ન હિંસાના ગાલ પર હતી જે બહારથી સબ સલામતનો દાવો કરે છે. બે દિવાલોની અંદર આવી કેટલીય કહાનીઓ દફન થઈ જતી હશે, જે ક્યારેય નહિ જાણી શકીએ. એ નહિ કહેવાયેલી બધી વાર્તાઓનું પ્રતિનિધિત્વ કરે છે “થપ્પડ”.
“આજ મેને કુંડી નહિ લગાઈ દીદી, ક્યુકી ફિર કિસી દિન ઉસને કુંડી લગા દી તો મૈ કહા જાઉંગી?” આ સવાલ, આ અસલામતી અને આ લાચારી ઘણીવાર હિંસા સહેવા મજબુર કરે છે. થપ્પડના જવાબમાં હરવક્ત ડાઈવોર્સ સમાધાન નથી જ. પરંતુ થપ્પડ માર્યા પછી ય સોરી કહેવાને બદલે, ભુલ સ્વીકારવાને બદલે આવુ તો ચાલ્યા કરે કહીને ‘મુવ ઓન’ કરવાની નસિયત મળે, મારનારને એની ભુલ કોઈ ન બતાવે અને સહનારને સહન કરવાની સલાહ મળે એનો વિરોધ છે.

ફિલ્મ ચાના સબડકાની જેમ ઘુટડેઘુટડે પીવાની મજા પડે. ધીમેધીમે એ પોતાની પકડ મજબુત બનાવતી જાય. સ્ત્રી સશક્તિકરણની વાત કરતી કોઈ ટીપીકલ ફિલ્મ જેવી નથી. આ તો ભરઉંઘમાંથી જગાડે છે. આપણી આસપાસમાં જ બનતી ઘટનાઓનું પ્રતિબિંબ છે. ફિલ્મ તો ખાલી દર્પણ દેખાડે છે, ડરામણી વિકૃતિ એ તો આપણું જ અનાવૃત માનસ છે.

મસ્ટ વોચ ફિલ્મ.

Leave a comment