વાંચનનો રસથાળ

ઈન્ટરવ્યૂનું પોસ્ટમોર્ટમ

Top-Interview-Questions-to-Ask_302x640ઈન્ટરવ્યૂ એટલે અંતરનો એક્સ રે. એમા જો ચાંદા હોય તો બુરવા પડે. (એક્સટ્રા ઈન્કમવાળી વાત કોઈને થોડી કરાય!) અત્યાર સુધી સાલુ કોઈએ કીધુ જ નહીં કે પર્સનાલીટી એક દિવસમાં ન સુધરે. 2014 થી તૈયારી ચાલુ કરી હતી ને હાલ 2017 મા કામ પૂરું થયું. “વચ્ચેના ચાર વર્ષ તમે શું કર્યું?” આ સવાલના જવાબમાં મને એમ થયું કે સામું પૂછી લઉં કે તમે શું કર્યું? (આવી નૈતિક હિંમત મારાથી થઈ શકી નથી.)

જેને ધૈર્ય નામક ગુણ વિકસાવવો હોય તેણે જીવનમાં એક વાર તો જીપીએસસીની પરીક્ષા આપવી જ જોઈએ. છોકરાય કંટાળી જાય કે પાપા હજી કેટલું ભણવું છે (હવે તો ઢાંઢા થયા 😃) અમુક મહાપુરુષોને તો દંડવત કરવા પડે કારણ કે બે વાર જીપીએસસી સમક્ષ ઉપસ્થિત થયા હોય (ત્રીજી વારમાં તો ઉમર જતી રહી હોય એટલે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી 😜)

આન્સર કી જાહેર કરવામાં છ મહિના કેમ લાગતા હશે! સાલો છ મહિના સુધી જવાબ જ ન જડે એ તો કેવું કહેવાય! અને જવાબો મળ્યા તો પણ કેવા મળ્યા! છ ગણા ઉમેદવારોને બદલે પચ્ચીસ ગણા લેવા પડ્યા કારણ કે લાઈનબંધ બેતાલીસ માર્કસની ભૂલ હતી.

ચલો ફાઈનલી રીઝલ્ટ જાહેર થયું ને આપણોય નંબર એમા હતો એટલે હરખ તો ઘણો થયો. હવે ખબર પડી કે અત્યાર સુધીની સૌથી અઘરી કસોટી હવે ચાલું થવાની હતી. સીધો સંપર્ક થવાનો હતો ને ઈન્ટરવ્યૂમાં પંદર મિનિટમાં આપણે જે બતાવીએ અને આપણાંમા ઈ જે કાઈ જોઈ જાય એના પરથી માર્ક આપે. આગલા દિવસે ન વાંચવું એવો પરીક્ષાના સનાતન નિયમમાં બાંધછોડ કરીને રાત્રે ન વાંચવું એવો મનોમન મક્કમ નિર્ણય કરીને મોરારી બાપુને સાંભળતો હતો. અચાનક બંધારણ યાદ આવ્યું ને નિર્ણયની અડગતા હવામાં ઓગળી ગઈ.

લગનમાં લીધા ઈ કરતાય ભારે માયલા કપડા લીધા હતા. એવું લાગતું હતું કે જાણે ઘરનો પ્રસંગ હતો! જીપીએસસી પહોચીને જોયું કે બહારથી એકદમ સ્ટ્રોંગ લાગતા ઉમેદવારોનીય હાલત ઉતરેલી કઢી જેવી હતી. લકી ડ્રો ની સિસ્ટમ નક્કી કરે કે કઈ પેનલ તમારી ધૂળ કાઢશે. આખી વાતમાં દુઃખ એક જ વાતનું છે કે સરકારે એક સારા ડી.વાય.એસ.પી.ને ગુમાવ્યા છે. (મારી છાતીને ડીવાયએસપીનો ક્રાઈટેરીયા ફીટ ન બેઠો😄.) છપ્પનની છાતી કરતા તો આપણી છાતી વધુ થઈ એ વાતે ગર્વ છે💪.

ઉપરના વેઈટીંગ રૂમમાં રાહ જોવી અઘરી થતી જતી હતી. જેમ નંબર નજીક આવતો જાય એમ છાતીના ઠડકારાનો અવાજ વધવા લાગ્યો હતો. અચાનક મારો કોડ બોલાયો ને એમ લાગ્યું કે હૃદય એક ધબકારો ચૂકી ગયું. 💓

ઈન્ટરવ્યૂ રૂમની બહાર પ્રતીક્ષા કરતી વખતે સારું થયું કે કોઈએ બ્લડ પ્રેશર માપ્યું નહીં. સખત ડરામણા વિચારોએ આક્રમણ ચાલું કરી દીધું હતું. બાજુમાં પટ્ટાવાળાનો ધીમો અવાજ પણ માઈકમાંથી આવતો લાઉડસ્પીકરનો ઘોંઘાટ લાગતો હતો. આવી સ્થિતિમાંથી બહાર આવવું જરૂરી હતું. કાલ્પનિક ભયની સામે કાલ્પનિક આનંદનું શસ્ત્ર ઉગામવું જરૂરી હતું. ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા. અંદર પણ એમના જ સ્વરૂપો છે એવી કલ્પના કરી. વધુમાં વધુ શું નુકસાન થઈ શકે એનું ચિંતન કર્યું. ઈન્ટરવ્યૂ પેનલ માત્ર માર્કસ્ આપવા બેઠી છે, કોઈને ઓછા તો કોઈને વધુ.

મનને સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો. ઘણા કોમન પ્રશ્નોના જવાબ તૈયાર કર્યા હતા એ ભુસાય જતા હોય એવું લાગ્યું. છતાંય નક્કી કર્યું કે જેવું મનમાં આવશે એવું બોલીશ. અચાનક જ દરવાજો ખુલ્યો અને મને બોલાવવામાં આવ્યો. જેવી પેનલને જોઈ તો બધો જ ડર હવામાં ધુમ્મસ બની ઊડી ગયો. સામે વડિલો બેઠા હોય એવું લાગ્યું. તેઓ પણ સ્માઈલ સાથે હળવાશથી સામાન્ય વાતચીત કરતા હોય એવું લાગ્યું. કેટલો ટાઈમ ગયો ને કેવું ઈન્ટરવ્યૂ ગયું એ બે નંબરની વાત છે પણ આ લહાવો લેવાનો અવસર મળ્યો અને ઈન્ટરવ્યૂ એન્જોય કરવા મળ્યું એ મોટી વાત છે.

બહાર ઉભેલા લોકોએ મારું બીજી વાર ઈન્ટરવ્યૂ લીધું પણ મગજ પર રાખેલો સવામણનો પથ્થર દુર થઈ જાય પછી જેવી હળવાશ અનુભવાય એવી હળવાશ હું અનુભવતો હતો.

(પ્રામાણિકતાથી કહેવું હોય તો જીપીએસસીએ એકદમ પારદર્શક સિસ્ટમ ગોઠવી છે જેમાં લાગવગ થવાના ચાન્સ નહીવત છે. પેનલ પાસે તમારી કોઈ વિગત હોતી નથી. નામ પણ કહેવાનું નથી. તમારી પેનલ અને વારો લકી ડ્રો નક્કી કરે. ક્યાય ઓળખાણ છતી થાય એવું મે જોયું નથી. આવી પારદર્શકતા દિવસે દિવસે વધતી જાય તો ચોક્કસ એક ભારતીય તરીકે મને હરખ થાય.)

(બર્નીંગ થોટસ્ :- આપણો ડર મોટાભાગે કાલ્પનિક હોય છે, વાસ્તવિકતા ટકરાતા ભય ટુકડાઓમાં વહેંચાઈને એકદમ નાનો થઈ જાય છે.)

Leave a comment